Back

પ્રથમ સમરું ગણપતિ દેવા !

હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતી વખતે ભગવાન શ્રી ગણેશને સૌ પ્રથમ યાદ કરવામાં આવે છે. ત્યાર બાદ અન્ય દેવી-દેવતાઓની પૂજાઅર્ચના કરવામાં આવે છે. એટલું જ નહીં, ગણેશજીની વિઘ્નહર્તા તરીકે પણ ખાસ સ્તુતિ કરવામાં આવી છે. તેમને સુખકર્તા, દુ:ખહર્તા, વિઘ્નહર્તા પણ કહેવાય છે.

ભગવાન શ્રી ગણેશ એ ભગવાન શિવના પુત્ર છે. તેમની વિશાળતમ આકૃતિ આપણને હંમેશા સાવધ રહેવાનો અને દરેક પરિસ્થિતિ, મુશ્કેલીનો સામનો કરવા તૈયાર રહેવાનો બોધ આપે છે. શ્રી ગણેશ એક શક્તિ છે અને વિદ્યાનું પણ એક રૂપ છે.

ગણેશજીની આંખો આપણને એકાગ્રતા અને પોતાના લક્ષ્ય તરફ જ ધ્યાન રાખવાનો બોધ આપે છે. ગણેશજીની આંખોના આ બોધને અનુસરીને સફળતા અચૂક મેળવી શકાય છે.

ગણેશજીના કાન આપણને બીજાની વાતો ધ્યાનથી સાંભળવાનો બોધ આપે છે. આપણે કાચા કાનના નહીં પણ મોટા કાનના થવાની જરૂર છે.

તેમનું મોટું પેટ આપણને બીજાની વાતોને ખાનગી રાખવાની અને અન્ય લોકોની નબળાઈઓને પોતાના પેટમાં રાખવી જોઈએ એવો બોધ આપે છે. માત્ર હૃદયની વિશાળતા જરૂરી નથી, પેટમાં અન્યોની નબળાઈઓ પચાવવાની ક્ષમતા પણ જરૂરી છે.

તેમનું વિશાળ મસ્તક જીવનમાં શ્રેષ્ઠ અને સકારાત્મક વિચારો કરવાની પ્રેરણા આપે છે. સકારાત્મકતાના અભિગમથી સારાં પરિણામો મળે છે અને શ્રેષ્ઠતા હાંસિલ કરી શકાય છે.

મૂષક એટલે ઉંદર એ વિઘ્નહર્તા ગણેશજીનું વાહન છે. તેમનું વાહન આપણને જીવનમાં ચંચળતા અને બીજાના ગુણદોષથી દૂર રહેવાનો બોધ આપે છે. નાનકડા ઊંદરમાંથી પણ બોધ મેળવીને સાર્થકતા માણી શકાય.

ગણેશોત્સવ એટલે ભગવાન ગણેશજીની સામૂહિક આરાધનાનો ઉત્સવ. આ ઉત્સવના ભાગરૂપે ઘરે, ગલી-મહોલ્લામાં ગણેશજીની સ્થાપના કરીને તેમની સામૂહિક પૂજા-અર્ચના કરવામાં આવે છે અને ગણેશોત્સવના છેલ્લા દિવસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગણેશજીની મૂર્તિનું નદી-તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. જો કે આ પ્રથાને વાચા આપનાર લાડીલા નેતા લોકમાન્ય ટિળક હતા.

બ્રહ્મવૈવર્તપુરાણમાં જણાવ્યાનુસાર માતા પાર્વતીના પુણ્યક નામના પુત્રપ્રદ વ્રતના અનુષ્ઠાનના ફળસ્વરૂપે તેમને એક સુંદર બાળક અવતર્યું. તે બાળક એટલે ભગવાન ગણેશ. તેઓ તેમના આરાધકોના સંકટો દૂર કરતા હોઈ તેમના પ્રાગટયની તિથિ સંકટચોથ તરીકે મનાવવામાં આવે છે. ગણેશનું સ્થાપન એ વિઘ્નો સામે મોટા પડકાર સમાન છે.

ચોથના દિવસે તેમનું પ્રાગટય થયું હોઈ ભક્તો દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્થીને ગણેશ ચતુર્થી તરીકે અને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે પૂજે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર આજે માત્ર મહારાષ્ટ્ર પૂરતો નથી રહ્યો, પરંતુ ભારતભર તથા વિદેશમાં પણ ઉજવાય છે.

સ્કંદપુરાણમાં પ્રસ્તુત શ્રીકૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચેની વાતચીત અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થીનો વિશેષ મહિમા હોય છે. તે દિવસે ગણેશજી તેના આરાધકોને સર્વ કાર્યોમાં સિદ્ધિના આશીર્વાદ પ્રદાન કરે છે. તેથી તેઓ સિદ્ધિવિનાયક તરીકે પણ ઓળખાય છે. રિદ્ધિ-સિદ્ધિના સ્વામી શ્રી ગણેશની કૃપા મેળવવા ભક્તો અનુષ્ઠાન કરે છે.

આ જગતમાં દરેક વ્યક્તિનું શરીર પૃથ્વી, આકાશ, અગ્નિ, વાયુ અને જળ એ પાંચ ભૌતિક તત્ત્વોનું બનેલું હોય છે. કોઈ વ્યક્તિમાં જળનું તત્ત્વ વધુ હોય છે તો કોઈ વ્યક્તિમાં પૃથ્વી તત્ત્વ. જે લોકોમાં જળ તત્ત્વનું પ્રમાણ વધારે હોય તેમના માટે ગણેશજીની ઉપાસના સારું ફળ આપે છે. જો કે ગણેશ ઉપાસના તમામ લોકોને ફળે છે. ગણેશને કળિયુગના દેવ પણ કહેવાય છે.

Back