- બાબુભાઇ દેસાઇ રાજ્યસભાના ઉમેદવાર બન્યા
- કેસરીસિંહ ઝાલાના નામની જાહેરાત કરાઇ
- બાબુ દેસાઇ અગાઉ કાંકરેજના ધારાસભ્ય રહી ચૂક્યા છે
3 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના બે ઉમેદવારોએ ફોર્મ ભર્યુ છે. તેમાં બાબુ દેસાઇ, કેસરીદેવસિંહ ઝાલા ફોર્મ ભર્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યાં છે. તથા ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ભાજપના તમામ ધારાસભ્યો વિધાનસભામાં હાજર છે. અગાઉ એસ.જયશંકરે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
ભાજપે રાજ્યસભાના બે ઉમેદવાર જાહેર કર્યા
ભાજપે રાજ્યસભાના બે ઉમેદવાર જાહેર કર્યા હતા. જેમાં બાબુભાઇ દેસાઇ રાજ્યસભાના ઉમેદવાર બન્યા હતા. તેમજ કેસરીદેવસિંહ ઝાલાના નામની જાહેરાત પણ કરાઇ છે. બાબુ દેસાઇ અગાઉ કાંકરેજના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તથા કેસરીદેવસિંહ ઝાલાના પિતા દિગ્વિજયસિંહ કોંગ્રેસની સરકારમાં ભારતના પ્રથમ પર્યાવરણ મંત્રી હતા. તેઓ મુંબઈ રહે છે.

એક OBC અને એક ક્ષત્રિય ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને ઉ.ગુજરાતમાંથી ઉમેદવારની પસંદગી થઇ છે. ગુજરાતમાંથી રાજ્યસભામાં પ્રતિનિધિત્વનું ચિત્ર આજે સામે આવી ગયુ છે. વિદેશમંત્રી એસ.જયશંકરની ઉમેદવારી પછી રાજ્યસભાની બાકીની બે બેઠકો માટે ભાજપે નામો જાહેરાત કરી છે. બીજી તરફ ભાજપના તમામ ધારાસભ્યો ગાંધીનગર ખાતે હાજર છે. ગુજરાતમાં ત્રણ બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જેમાં વિદેશ મંત્રી એસ.જયશંકર બાદ ભાજપે વધુ બે ઉમેદવાર જાહેર કર્યા છે.
જાણો કોણ છે કેસરીદેવસિંહ :

વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપે સત્તાનો સ્વાદ ચાખ્યો
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ કેસરીદેવસિંહની ભૂમિકા મહત્વપૂર્ણ રહી અને સ્થાનિક કક્ષાએ તેમના નેતૃત્વમાં જ દાયકાઓ બાદ વાંકાનેરની બેઠક કોંગ્રેસના પીરજાદા પાસેથી આંચકી ભાજપના ઉમેદવારને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી તો વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપે સત્તાનો સ્વાદ ચાખ્યો હતો. કેસરીદેવસિંહને 2011માં અત્યારના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. 2011થી ભાજપના સક્રિય સભ્ય છે. 2014, 2019 લોકસભા ચૂંટણીમાં ચૂંટણી લક્ષી જોગવાઈઓની જવાબદારી પણ તેમણે સંભાળી છે. 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈન્ચાર્જની જવાબદારી સંભાળી હતી. તેઓ રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા પ્રમુખ રહ્યા છે. રાજકીય ઉપરાંત સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ અનેક પ્રવૃતિઓ સાથે તેઓ સંકળાયેલા છે.
કેસરીદેવસિંહ વિશે જાણવા જેવી વાતો:
કેસરીદેવસિંહ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના યુવા પાંખના પ્રમુખ છે. અમરસિંહજી હાઈસ્કૂલના ઉપપ્રમુખ, રમાકુંવરબા કન્યા છાત્રાલયના ટ્રસ્ટી, બોયસ બોર્ડિંગના ટ્રસ્ટી છે. 9 વર્ષથી જન્માષ્ટમી સેવા સમિતિ સાથે સંકળાયેલા છે. તેઓ વર્ષોથી ગણપતિ ઉત્સવનું આયોજન કરે છે. તમામ જ્ઞાતિના ધાર્મિક કાર્યક્રમોમાં અચૂક હાજરી આપે છે. કેશરીદેવસિંહ અને આ તમામ કારણોથી જ સમગ્ર વાંકાનેરની જનતા તેમના પ્રિય નેતા અને રાજાને પ્રજાના પ્રતિનિધિ તરીકે જોવા ઈચ્છે છે. મહારાજા દિગ્વિજયસિંહનું નિધન થતા તેમના પુત્ર કેશરીદેવસિંહનું માર્ચ 2022માં રાજતિલક કરાયું હતું.
જાણો કોણ છે બાબુભાઈ દેસાઈ:

2007માં બનાસકાંઠાની કાંકરેજ બેઠકથી ધારાસભ્ય બન્યા હતા. 2012થી ગુજરાત પ્રદેશ ભાજપના ગૌ સંવર્ધન સેલના કન્વીનર રહ્યા હતા. બાબુભાઇ દેસાઇ કાંકરેજ તાલુકાના ઉબરી ગામના વતની છે. ઓલ્ડ SSC અને અંગ્રેજી મીડિયમમાં સ્ટેનોગ્રાફીનો અભ્યાસ કર્યો છે. રબારી સમાજમાં ભામાશા અને દાનવીર રત્ન તરીકેની ઓળખાય છે. કન્યા કેળવણી માટે કાર્યરત છે.
દ્વારકા સહિત રાજ્યભરની અનેક ધાર્મિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા
દ્વારકા સહિત રાજ્યભરની અનેક ધાર્મિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. અનેક સમૂહલગ્ન અને ધાર્મિક કાર્યક્રમના દાતા છે. ઉંઝા પાસે મકતુપુરની અનેક સંસ્થાઓમાં મહત્વનું યોગદાન આપ્યું છે. 10 જેટલી સેવાભાવી અને ધાર્મિક સંસ્થાઓમાં ટ્રસ્ટી છે. રબારી સમાજના ભામાશા તરીકે ઓળખાતા અને બનાસકાંઠાના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુ દેસાઈના નામ પર ભાજપે મહોર મારી છે. બાબુભાઈ અમદાવાદમાં સોલા રોડ પર રહે છે. રબારી સમાજમાં તેમને ભામાશા કહેવાય છે, મૂળ બિલ્ડર હતા અને તેમાંથી તેઓ ધારાસભ્ય બન્યા હતા. હાલ સામાજિક પ્રવૃતિ કરી રહ્યા છે.









