• ભાજપે મયંક નાયકને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા
  • મયંક નાયકને ઉમેદવાર બનાવતા પરિવારમાં ખુશી
  • ડબલ એન્જીનિયરની ડિગ્રી ધરાવતા હતા

રાજ્યસભા માટે ભાજપ દ્વારા ગુજરાતમાં તમામ જાતિગત અને ભૌગલિક સમીકરણોને ધ્યાનામાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભા લડશે. લેઉવા પટેલ સમાજના લીડર અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા તેમજ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ રાજ્યસભા મોકલવામાં આવી રહ્યા છે. મધ્ય ગુજરાતમાંથી ભાજપના અગ્રણી જશવંતસિંહ પરમાર પણ રાજ્યસભાના સાંસદ બનશે.

રીક્ષા ચલાવવાની કામગીરી કરી છે

મયંક નાયક સામાન્ય પરિવારમાંથી આવે છે. મૂળ મહેસાણાથી પોતાના પરિવારનું ભરણપોષણ માટે રીક્ષા ચલાવવાની પણ કામગીરી કરી હતી. ડબલ એન્જીનિયર થયા પછી યોગ્ય પગાર ન મળતાં તેમણે મહેસાણામાં રીક્ષા ચલાવવાની શરૂઆત કરી હતી. જેના કારણે તેમના પરિવારના અન્ય ભાઈ બહેનો આગળ અભ્યાસ કરી શક્યા હતા. મહેસાણાના મયંક નાયકની ભાજપ દ્વારા રાજયસભા સાંસદ પદે પસંદગી થવા પર તેમના પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો.

લાંબા સમયથી પક્ષ સાથે જોડાયેલા 

તેઓ 1988 માં BJPમાં કાર્યકર્તા તરીકે જોડાયા.1990માં તાલુકા પંચાયતની ચૂંટણી લડેલા જેમાં ભાજપના બધા હારી ગયેલા માત્ર એક મયંક નાયક જીત્યા હતા. લાખવડ સીટ પરથી તાલુકા પંચાયતમાં 1700 મતો થી જીતેલા હતા. હાલમાં ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમજ રાજ્યમાં મારી માટી મારો દેશ અભિયાનના ઈન્ચાર્જ તરીકે પણ સફળતા પૂર્વક કામગીરી કરી હતી. મંયક નાયક લાંબા સમયથી ભાજપમાં કાર્યકર્તા તરીકે કામગીરી કરી છે. તેમજ મંડળ સ્તરથી પ્રદેશ સ્તર સુધી જવાબદારી નિભાવવાનો અનુભવ ધરાવે છે. હાલમાં મહેસાણા ભાજપનો અગ્રણી ચહેરો તરીકે તેમને જોવામાં આવી રહ્યા છે.

ભાજપે એકસાથે તમામ મોર્ચે બીજીમારી

રાજ્યસભાના ચાર ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવાર ગુજરાતી છે, જ્યારે એક ઉમેદવાર બહારથી જે.પી.નડ્ડા છે. રાજ્યમાંથી ઝોન વાઇઝ પ્રતિનિધિત્વની વાત કરીએ તો ગોવિંદ ધોળકીયા મૂળ સૌરાષ્ટ્રના છે અને હાલ સુરતમાં રહેતા હોવાથી તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે. તેમજ જશવંતસિંહ પરમાર મધ્ય ગુજરાતનું અને મયંક નાયક ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. જે સાથે ભાજપે તમામ લોકોને સાચવી લેવાની પણ કામગીરી કરી છે.