• ભારતની વીટો પાવરની માગ
  • દુનિયાના અનેક દેશોનું ભારતને સમર્થન
  • UN મહાસચિવનું પણ ભારતને સમર્થન

છેલ્લા કેટલાક વર્ષોથી સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સુધારણાની માગણી થઈ રહી છે. જેને લઈને રણનીતિ બનવાની શરૂઆત પણ થઈ ગઈ છે. UN માં આ મામલે 21 સપ્ટેમ્બરે એક મહત્વની મીટિંગ પણ મળી હતી. 

મહત્વનું છે કે ભારત સહિત કેટલાક દેશો લાંબા સમયથી UN ની સુરક્ષા સમિતિમાં પરમેનન્ટ સીટ અને વીટો પાવર માટે દાવો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જ્યારે UN ની રચના થઈ હતી ત્યારે બીજા વિશ્વયુદ્ધની પરિસ્થિતિને અનુરૂપ તેની રચના કરવામાં આવી હતી. ત્યારે 5 દેશો ચીન, અમેરિકા, રશિયા, બ્રિટેન અને ફ્રાંસને વીટો પાવર અપાયો હતો. ત્યારે પરિસ્થિતિ અલગ હતી. જેને હવે લાંબો સમય થઈ ગયો છે. આજે 21મી સદીમાં પરિસ્થિતિ અલગ છે અને પડકારો પણ અલગ છે. તેથી સમયની સાથે UN માં પણ સુધારણા થવી આવશ્યક છે. 

મહત્વનું છે કે આ મામલે સ્થાયી સીટની માગણી કરી રહેલા દેશોમાં ભારત એકલું નથી. તેની સાથે બ્રાઝિલ, જર્મની અને જાપાન જેવા દેશો સાથ આપી રહ્યા છે. એટલું જ નહીં આ દેશોનું એક ગ્રુપ પણ છે જે UN માં સુધારણા માટે અન્ય દેશો પર દબાણ બનાવી રહ્યા છે. આ મામલે હાલમાં જ યુએન મુખ્યાલયમાં બ્રાઝિલના વિદેશમંત્રી માઉરો વિએરા, જર્મનીના વિદેશમંત્રી એનાલેના બેયરબોક, જાપાનના વિદેશમંત્રી યોકો કામિકાવા અને ભારતના વિદેશ ઉપમંત્રી સંજય વર્માની એક બેઠક મળી હતી. આ બેઠક બાદ જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું કે UN સુરક્ષા સમિતિમાં સ્થાયી અને અસ્થાયી બંને શ્રેણીઓમાં વધુ વિસ્તારની જરૂર છે, જેથી વધુ દેશોને તેમાં સ્થાન મળે, અને તેમનો અવાજ મજબૂત બને. બેઠકમાં સામેલ દેશોએ સંયુક્ત રાષ્ટ્રને આ મુદ્દે આગળ આવીને મહત્વની ભૂમિકા ભજવવા માટે આહ્વાન પણ કર્યું. 

નોંધનીય છે કે હાલમાં યોજાયેલા G20 સંમેલનમાં પણ અમેરિકા, તુર્કિયે, બ્રિટન, ફાંસ, UAE જેવા દેશોએ ભારતના સ્થાયી સભ્યપદનું સમર્થન કર્યું હતું. હાલ UN માં સ્થાયી સભ્ય રહેલા 5માંથી 4 દેશો ભારતના સભ્યપદનું સમર્થન કરી રહ્યા છે. માત્ર ચીન ભારતની વિરુદ્ધમાં છે. જેથી ભારતને વીટોપાવર અને સભ્યપદ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. જો કે ભારત માટે એક મહત્વની વાત એ પણ છે કે હાલમાં UN ના મહાસચિવ રહેલા એન્ટોનિયો ગુટેરસે પણ ભારતની મેમ્બરશિપનું સમર્થન કર્યું છે.

જો કે હાલના સમયમાં જે રીતે ભારતની મજબૂત વિદેશનીતિ અને અન્ય દેશોના ભારતને મળી રહેલા વૈશ્વિક સમર્થનને જોતાં UN માં ભારતના સ્થાયી સભ્યપદની માગણી વધુ મજબૂત થઈ છે. આ મામલે આગામી સમયમાં ભારતની સાથે લોબિંગ કરી રહેલા અન્ય દેશોને પણ વૈશ્વિક સમર્થન મળે તે માટે ચારેય દેશો સંયુક્ત પ્રયાસો કરી રહ્યા છે.